નિર્મોહી પ્રકાશન દ્વારા આજ સુધી કાવ્યસંગ્રહ, વાર્તાસંગ્રહ જેવા અનેકવિધ પુસ્તકો પ્રકાશિત થતાં રહ્યાં છે.
આ વખતે ન તો કાવ્ય, ન વાર્તા, પણ કાવ્યમય લાગે એવી લેખશ્રેણી પ્રકાશિત કરવાનો વિચાર આવ્યો. કાવ્યમય લાગે એવી લેખશ્રેણી એટલે શું?
આ એક એવી લેખશ્રેણી જેમાં લેખકે એક નાના અમસ્તા, પણ મનમાં સદા માટે જેની સ્મૃતિ સ્થાયી થઈને રહી ગઈ છે એવા સમયખંડને સાંકળીને એ અદ્વિતીય સ્વાનુભૂતિને આલેખવાની હતી જે વાંચીને વાચકને પણ કંઈક જાણ્યાનો, કંઈક અનુભવ્યાનો આનંદ થાય.
લેખશ્રેણીને નામ અપાયું -’પ્રવાસ એક અદ્વિતીય અનુભૂતિ.’
આ વિચારને લેખકમિત્રોએ વધાવી લીધો અને જોતજોતાંમાં ભારતથી માંડીને વિદેશનાં જોવા, જાણવા અને માણવા લાયક સ્થળોની મુલાકાતના લેખ મોકલ્યાં.
લેખકમિત્રોના ઉત્સાહને આવકાર છે.
અત્રે અહીં એક વાતનો ઉલ્લેખ કરવાનું મન થાય છે કે,
પ્રવાસ એટલે શું? જે તે સ્થળની મુલાકાત માત્ર ? બાહ્ય દૃષ્ટિએ જોવા જઈએ તો ચોક્કસપણે હા.
પણ, પ્રવાસ એટલે માત્ર જે તે સ્થળની મુલાકાત માત્ર જ નહીં, એ સ્થાન સાથે મનથી એકાકાર થયાની અનુભૂતિ પણ ખરી. એ સ્થળને ભૌગોલિક દૃષ્ટિએ જોવા ઉપરાંત એ સ્થળની સંસ્કૃતિને જાણવી, એની પ્રકૃતિને માણવી જેવું પણ ખરું.
રોજિંદા જીવનની ભાગદોડથી કંઈક અલગ કરવા ઈચ્છતી વ્યક્તિ માટે યાત્રા-પ્રવાસ સૌથી મૂલ્યવાન સમય છે જ્યાં એની જાતને જગત સાથે જોડાવાની મોકળાશ મળે છે. અહીં આવીને એ ઘણું બધું પામે છે, ઘણું બધું મનમાં સમેટી લે છે. આ એક એવી અનુભૂતિ છે જે સાચે જ અવિસ્મરણીય હોય.
વર્ષો જૂના ફોટાઓનું આલબમ લઈને બેસીએ ત્યારે એક પછી એક પાનું ફરતું જાય અને જૂની સ્મૃતિ તાજી થતી જાય એમ યાત્રા-પ્રવાસેથી પાછાં આવીને ફરી એની એ રોજિંદી ઘટમાળમાં ગોઠવાઈએ એ પછી પણ યાત્રા-પ્